લોન પાસ થયાનો મેસેજ આવે તો ચેતી જજો, પૈસા હશે એ પણ ખાલી થઈ જશે
લોનના નામે લોકો સાથે ઘણીવાર ઠગાઈ થતી હોય છે, ત્યારે આજકાલ સસ્તા વ્યાજદરની લોન આપવાના નામે પ્રોસેસીંગ ફી લઈને લોકોને લુટે છે, જાણો કઈ રીતે ફ્રોડથી બચી શકાય.
આજકાલ લોકોને લોનના નામે ઠગાઇ કરવામાં આવે છે
સસ્તા વ્યાજદરે લોન મળશે કહીને પૈસાની વસૂલાત
લોન સેક્શન લેટર મોકલીને પ્રોસેસીંગ ફી વસુલે છે
આજકાલ લોકોનું જીવન હપ્તે અને લોન પર થવા લાગ્યું છે, હાલ તો નાનામાં નાની વસ્તુ પણ લોન પર મળવા લાગી છે તેમાં ઇલેક્ટ્રિક વસ્તુઓ, વાહન, ઘર, મોબાઈલ અને અન્ય ઘણી વસ્તુઓ લોન પર મળે છે. ત્યારે ઘણા લોકો પૈસાની જરૂરિયાત પર કેશ લોન ઉપાડતા હોય છે. કેશ લોનને પર્સનલ લોન પણ કહેવામાં આવે છે. તે એક અનસિક્યોર લોન પણ કહી શકીએ છીએ.
લોન મળવી સરળ
આજે લોન તમને તમારા ફોનના એક ક્લિકમાં પણ મળી રહે છે ત્યારે આ વસ્તુનો ફાયદો ઉઠાવીને ઘણા સ્કેમર્સ પણ માર્કેટમાં ખુબ વધી રહ્યા છે. આજકાલ ઘણા લોકોને અવારનવાર સ્પામ કોલ આવતા જ હશે જેમાં લોન ક્રેડીટ કાર્ડ વગેરે માટે ફોન કરતા હોય છે. અમુક સાચે જ આ લોન માટે ફોન કરતા હોય છે પરંતુ આ બધામાં ઘણા એવા ફોન પણ આવતા હોય છે જે તમને ઠગવા માટે ફોન કર્યો હોય છે.
કઈ રીતે સ્કેમ થાય છે
જયારે તમને કોઈ સ્પામ કોલ્સ આવે છે ત્યારે તમને એકદમ સસ્તા વ્યાજમાં તમારી લોન પાસ થઇ છે તેવું કહેવામાં આવશે. તમને જરૂરી દસ્તાવેજ મોકલવા કહેશે, ત્યાર પછી આ બધું તેમની પાસે પહોચતા તેમને તમારી KYC માહિતી (પાન કાર્ડ,આધાર કાર્ડ) બેંક સ્ટેટમેંટ ઉપરથી બેંક વિગતો મળી જશે અને તમને પ્રોસેસીંગ ફી અથવા તો ઇન્સ્યોરન્સ ફી ભરવા માટે કહેશે. આ બધાનું તમને એક PDF પણ મોકલવામાં આવે છે જેમાં તમારું નામ સરનામું બેંક વિગત લોન વિગત અને નિયમો પણ લખ્યા હોય છે. જેમાં ઘણા લોકો ફસાઈ જતા હોય છે અને તે ફી ભરી દેતા હોય છે, ત્યારબાદ તે સ્કેમર્સ ગાયબ થઇ જાય છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
જયારે પણ તમને કોઈ લોનની એપ્લીકેશન વગર ફોન આવે ત્યારે સમજવું કે કદાચ તમને સ્કેમર્સ ફોન કરી રહ્યા છે અથવા તો જયારે સસ્તા વ્યાજ દરે કે ઝિરો વ્યાજે લોન આપે ત્યારે સમજવું કે તમારા જોડે સ્કેમ થવાનો છે.